સરયૂબાલાદેવીની નોંધ :

શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ વિવિધ પ્રકારે પોતાની રોજી મેળવતાં હતાં. આમાંના એક માણસ સાથે એક બાઈ-રખાત-રહેતી હતી. આ બાઈ એક વખત ગંભીર માંદગીમાં પટકાઈ. શ્રીમાએ આ વાત કરી અને કહ્યુુંં, ‘તે પુરુષે તેની કેટલી સેવા કરી ! મેં તેના જેવો બીજો કોઈ જોયો નથી. આને જ હું સેવા કહું છું અનેે તેને જ પ્રેમ કહું છું.’ આ રીતે તેઓ તેની પ્રશંસા કરવા લાગ્યાં અનેે આ બધું પણ એક રખાતની સંભાળ રાખવા માટે ! આપણે જો આ જોયું હોત તો નિ:શંક આપણા નાકનું ટેરવું ચડાવ્યું હોત ! આપણે કદી ખરાબ વ્યક્તિઓમાં રહેલા સારા ગુણને પકડી શકતાં નથી.

નજીકના એકાદ ઝૂંપડામાંથી એક ગામડિયણ બાઈ પોતાના બીમાર બાળકને શ્રીમા પાસે તેમના આશીર્વાદ મેળવવા લાવી. તેના પ્રત્યે શ્રીમાએ કેટલી દયા દાખવી ! તેમણે બાળકને આશીર્વાદ આપ્યા, ‘તે ફરી સાજો થઈ જશે.’ બે દાડમ અને મૂઠી દ્રાક્ષ ઠાકુર પાસે રાખવાનું અને પછી તે સ્ત્રી માટે લાવવાનું તેમણે મને કહ્યુુંં. મેં જ્યારે શ્રીમાના હાથમાં ફળો મૂક્યાં ત્યારે તેમણે તે ફળો તે દરિદ્ર સ્ત્રીને આપતાં કહ્યુુંં, ‘તારા બીમાર બાળકને આ આપજેે.’ તે બાઈ કેટલી રાજી થઈ! તેણે શ્રીમાને વારંવાર નમન કર્યું.

સને 1911 : આજે લગભગ સાંજે હું અમારા પટાલડાંગાના ઘેરથી શ્રીમાનાં દર્શન કરવા ગઈ. શ્રીમાના ઓરડામાં હું બેઠી કે તરત જ ગોલાપમા આવ્યાં અને કહ્યુુંં, ‘પોતાના ગુરુનું ઋણ ચૂકવવા પૈસા એકઠા કરવા વારાણસીથી એક સંન્યાસિની આવ્યાં છે. તારે કાંઈક આપવું જ જોઈએ.’

મેં ખુશીથી હા કહી. શ્રીમા હસ્યાં અને કહ્યુુંં, ‘તેણે મને પણ પૂછ્યું હતું. પરંતુ હું તો કોઈ પાસેથી ઉછીના પૈસા લઈ શકું નહીં; તેથી મેં કહ્યુુંં, ‘અહીં રહો. બધું થઈ રહેશે.’ ગોલાપમા બોલ્યાં, ‘હા, છેવટે તો શ્રીમાએ જ બધું ગોઠવ્યું.’ શ્રીમાએ મને ધીમેથી કહ્યુુંં, ‘ગોલાપે ત્રણ ગીનીઓ આપી છે.’

થોડી વાર પછી સંન્યાસિની આવ્યાં. તે બલરામબાબુના ઘેર ગયાં હતાં. ત્યાં ભક્તોએ પોતાની શક્તિ અનુસાર દરેકે ફાળો આપ્યો. મેં સાંભળ્યું હતું કે તેમણે સંસાર છોડ્યો ત્યાર પહેલાં તે એક મોટા કુટુંબનાં શેઠાણી હતાં અનેે તેમને સાત પુત્રો હતા અને તેઓ દરેકે હવે સંસારમાં સ્થાયી થઈને પોતાની જવાબદારી સંભાળી લીધી છે, તેથી સંન્યાસિનીએ  સંસારત્યાગ કર્યો છે.

સંન્યાસિનીએ પોતાના ગુરુ વિશે જણાવતાં કહ્યુુંં, ‘મનુષ્યે કદી પોતાના ગુરુ વિરુદ્ધ કશું કહેવું જોઈએ નહીં,’ પછી તેમણે નમન કર્યું અને ઉમેર્યું, ‘તેમને દાવો કરવાની ઇચ્છા હતી. હવે તો તેઓ વૃદ્ધ છે તેથી તેઓ લાંબો સમય તેમ ન કરી શકે. તેમના લેણદારોએ હુકમનામું મેળવ્યું છે અનેે તેમની ધરપકડ કરાવવાની ઇચ્છા દર્શાવી છે. તેમના માટે બહાર ફરીને ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરવા સિવાય હું શું કરી શકું ?’

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 83-84)

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.