સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે.

આ યુગમાં વિજ્ઞાનના જે વિભિન્ન ચમત્કારો નજરે પડે છે, જે વૈજ્ઞાનિક શોધો થકી માનવજીવન ઉન્નત અને સુખી થયું છે, આરોગ્ય ક્ષેત્રે જે દવાઓની શોધો દ્વારા મનુષ્ય રોગમુક્ત થયો છે, આ બધાની પાછળ કોઈ એક કે એકથી વધારે વ્યક્તિની ઇચ્છાશક્તિ અવશ્ય રહેલી છે કે જે વ્યક્તિએ પોતાના મનમાં આ દૃઢ સંકલ્પ કરી લીધો હતો કે કોઈ રોગને દૂર કરવાનો ઉપાય તે જરૂરથી શોધી કાઢશે.

ઉદાહરણાર્થ લગભગ સો વર્ષ પહેલાં સુધી ક્ષયરોગ (ટી.બી.), ન્યુમોનિયા, મલેરિયા જેવા રોગોની કોઈ સફળ અને સચોટ દવા નહોતી. કેટલાક દૃઢ ઇચ્છાશક્તિવાળા તબીબોએ આવા રોગોની દવાઓ શોધવા માટે દૃઢતાપૂર્વક પોતાની બધી શક્તિ કામે લગાડી અને છેવટે તેઓ સફળ થયા. આજ આખી પૃથ્વીમાં હજારો રોગી આ દવાઓના કારણે રોગમુક્ત થઈ સુખી જીવન જીવી શકે છે. આ બધાની પાછળ એક કે તેથી વધુ વ્યક્તિઓની દૃઢ ઇચ્છાશક્તિ જ કાર્ય કરી રહી હતી.

આજે સમગ્ર વિશ્વમાં વિમાનો દ્વારા મનુષ્ય ઓછા સમયમાં વિશ્વના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય છે. જીવન-જરૂરિયાતની વસ્તુઓ, દવાઓ, વિભિન્ન યંત્રો વગેરે એક સ્થળેથી બીજા સ્થળે અલ્પ સમયમાં જ પહોંચાડી શકાય છે. આજથી ૧૨૫ વર્ષ પહેલાં કોઈ આવી કલ્પના પણ નહોતું કરી શકતું પરંતુ અમેરિકાના રાઈટ બંધુઓની દૃઢ ઇચ્છાશક્તિએ આ યંત્ર બનાવ્યું, જેની સહાયતાથી માણસ પ્રથમ વખત હવામાં ઊડી શક્યો. આના પછી પણ લગન અને દૃઢ ઇચ્છાશક્તિવાળી વ્યક્તિઓએ વાયુયાન વગેરેનો ચરમ વિકાસ કર્યાે અને આજનો મનુષ્ય ચંદ્ર અને મંગળગ્રહ સુધી પોતાનાં રોકેટ મોકલવામાં સમર્થ બન્યો છે.

આપણે આ યાદ રાખવું પડશે કે આ બધો ચમત્કાર મનુષ્યની દૃઢ ઇચ્છાશક્તિ, લગન અને મહેનતનું જ પરિણામ છે. દૃઢ ઇચ્છાશક્તિ ઈશ્વર દ્વારા મનુષ્યને જ આપવામાં આવેલી એક મહાન શક્તિ છે. આ શક્તિના યોગ્ય પ્રયોગથી માણસ પોતાના જીવનનો સર્વાંગીણ વિકાસ કરી શકે છે.

માણસના જીવનમાં વિભિન્ન પ્રકારની ઇચ્છાઓ હોય છે. તેમાં શુભ અને અશુભ બન્ને પ્રકારની ઇચ્છાઓ હોય છે. અશુભ ઇચ્છાઓને આપણે સામાન્યતઃ વાસના કહીએ છીએ. આ વાસનાઓ માનવમનની શુભ અને નૈતિક ભાવનાઓને દુર્બળ કરી નાખે છે, જેનાથી મનુષ્યના મનમાં રહેલી અશુભ કે પશુવૃત્તિઓ પ્રબળ થઈ જાય છે અને મનુષ્ય ચરિત્રહીન થઈ, પતિત થઈ મહાદુઃખ પામે છે.

આ પતન અને દુઃખથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે – શુભ ઇચ્છાને પ્રબળ અને દૃઢ કરવી અને અશુભ ભાવનાઓ તથા ઇચ્છાઓને પોતના મનમાંથી હાંકી કાઢવી.

જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા, વિકાસ અને ઉન્નતિ માટે દૃઢ ઇચ્છાશક્તિ પરમ આવશ્યક છે. કોઈપણ વ્યક્તિ મહેનત અને અભ્યાસ દ્વારા પોતાની ઇચ્છાશક્તિને બળવાન અને દૃઢ કરી શકે છે. આનો એક સરળ ઉપાય છે ચરિત્રવાન અને દૃઢ ઇચ્છાશક્તિવાળી વ્યક્તિઓનો સંગ કરવો તથા સાથે સાથે સદ્‌ગ્રંથોનો અભ્યાસ અને મનન કરવું. આ ઉપાયો દ્વારા માનવ પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન કરી શકે છે.

વિવિધ વિદ્યાઓ અને કલાઓમાં મનુષ્ય જેવી રીતે દીર્ઘકાળના સતત અભ્યાસથી જ નિપુણતા પ્રાપ્ત કરે છે, તેવી રીતે ઇચ્છાશક્તિને પણ દૃઢ અને બળવાન બનાવવા માટે સતત અભ્યાસની જરૂરત હોય છે.

માણસની પ્રત્યેક ઇચ્છા એ ઇચ્છાશક્તિ નથી હોતી. માણસે વિવેકપૂર્વક વિચાર કરી કોઈ શુભ ઇચ્છાની સાથે પોતાની કલ્પનાશક્તિ તથા આત્મવિકાસને તે સદ્ઇચ્છાઓ સાથે જોડવી પડે અને દૃઢ વિશ્વાસપૂર્વક પોતાની પસંદ કરેલી ઇચ્છા કે ઇચ્છાઓને કાર્યાન્વિત કરવા માટે નિરંતર સંઘર્ષ અને પ્રયત્ન કરવાના હોય છે. સતત પ્રયત્ન અને મહેનત ઇચ્છાશક્તિને દૃઢ કરવાના સચોટ ઉપાયો છે. મહાકવિ કાલિદાસનાં જ્યારે લગ્ન થયાં હતાં ત્યારે એ એક અભણ મૂર્ખ જ હતા. પરંતુ લગ્ન પછી જ્યારે તેમને પોતાની દુર્બળતા અને અયોગ્યતાનું ભાન થયું ત્યારે એમણે દૃઢતાપૂર્વક આ નિશ્ચય કર્યાે કે પોતાની આ અજ્ઞાની અવસ્થાને દૂર કરી વિદ્વાન બનીશ. ત્યારે એમણે વિદ્યા મેળવી અને આપણા દેશના સંસ્કૃતના કવિઓમાં મહાકવિ કાલિદાસ કહેવાયા. મહાકવિ કાલિદાસના જીવનની સફળતા અને વિદ્યાપ્રાપ્તિની પાછળ આત્મ-વિશ્વાસ અને દૃઢ ઇચ્છાશક્તિ જ હતાં.

તેથી મનુષ્યે પોતાનાં જીવનની સાર્થકતા અને સફળતા માટે જીવનમાં એવું કોઈ ક્ષેત્ર પસંદ કરી લેવું જોઈએ, જે સર્વહિતકારી હોય અને તે કાર્ય પૂર્ણ કરવા પોતાની ઇચ્છાશક્તિને દૃઢતાપૂર્વક કામે લગાડી દેવી જોઈએ. જો આપણે નિયમિતરૂપે લાંબા સમય સુધી આનો અભ્યાસ કરીશું તો આપણું જીવન નિશ્ચિતરૂપે સાર્થક અને આનંદમય થશે.

Total Views: 546

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.