આપણા ભારતીય સમાજે પાછલી કેટલીક સદીઓથી આજ સુધી માનવવિકાસ રુંધ્યો હતો. કોઈ માણસ ઊંચે ઊઠવા માગે છે; એના માથા ઉપર કોઈ મુક્કો મારે છે; કોણ ને કયાંથી તે આપણે જાણતા નથી. એવો હતો આપણો સમાજ. આજે આપણો સમાજ હરકોઈને કહે છેઃ ‘ઊઠ! તને મદદ કરવા હું તત્પર છું. તને તારા પગ પર ઊભો રહેતો હું કરીશ.’ આ કેવું પરિવર્તન છે! ગીતાને જેનું ઉત્તમ નિરૂપણ સ્વામી વિવેકાનંદ માનતા હતા તે વ્યવહારુ વેદાંતના પોતાના સંદેશ દ્વારા આ પરિવર્તન ભારતમાં લાવવા સ્વામીજી ઝંખતા હતા.

દરેક બાળકને, દરેક શ્રમિકને લાગવું જોઈએ કે ‘મને સમાજમાં સ્થાન છે, હું ઉન્નત છું અને જાણું છું કે મને સહાય કરવા મુક્ત ભારત તત્પર છે.’ આ કેવા તો સુંદર વિચારો છે! આ બધું વેદાંત છે, વ્યવહારુ વેદાંત છે. સ્વામી વિવેકાનંદના આગમન સુધી આપણે એ જાણતા ન હતા. આપણા પુરોહિતો અને સાધુઓ વેદાંતની સૈદ્ધાંતિક ચર્ચા કરતા, પણ રહેતા અને વર્તતા હતા તદ્દન અવેદાંતી રીતે અને સમાજને એમ ગેરમાર્ગે દોરતા. દરેક વ્યક્તિની આંતરિક દિવ્યતાનો બોધ વેદાંત આપે છે પણ ભારતીય સમાજે પોતાના જ સમાજના રંક અને દીન જનોને કચડ્યા હતા. સ્વામી વિવેકાનંદના આગમન અને માનવસંજોગોમાં પરિવર્તન આણવાની વેદાંતની અદ્‌ભુત શક્તિના નિરૂપણ પછી લોકોની દશામાં સુધારો થવા લાગ્યો છે.

આપણા સમાજમાં આજે આપણે એ હાંસલ કરવા કોશિશ કરી રહ્યા છીએ. દરેકે ગૌરવની, મહત્તાની અગત્યની લાગણી અનુભવવી જોઈએ. હિન્દુ, મુસલમાન કે ખ્રિસ્તી, આપણી તમામ આમપ્રજાને આપણી લોકશાહીનો સંદેશ છેઃ ‘મારી સામે ટટ્ટાર ઊભા રહો.’

સામાન્ય જનતાને આ સમજાવવામાં મને મુશ્કેલી પડી છે. સદીઓથી લોકો સાંભળતા આવ્યા છેઃ ‘તું કંઈ નથી, તું કંઈ નથી.’ ‘તમે કંઈક છો’, તેમ હું તેમને કહું છું તો લોકો એ સમજતા જ નથી. એમને માટે આ નવી ફિલસૂફી છે. ૧૯૩૯-૪૨માં રંગુનના રામકૃષ્ણ મિશનમાં હું હતો ત્યારે સરકારી સેક્રેટેરિયેટમાંથી કે બીજી ઓફિસોમાંથી પટ્ટાવાળાઓ પત્રો દેવા આવતા તે મને યાદ આવે છે. હવામાન ખૂબ ગરમ હોય, એ માણસ પરસેવે રેબઝેબ હોય, મારે સહી કરીને એ પત્રની પહોંચ આપવાની હોય પણ ત્યાં સુધી, એ પટ્ટાવાળો ઊભો જ રહે. આથી હું એને કહું, ‘ભાઈ, ખુરશી છે તેની પર બેસોને.’ એ કહે, ‘ના, મારાથી ન બેસાય’. ‘પણ હું તમને કહું છું ને, તમે બેસો’. એ બેસે જ નહીં. એના પર જાણે મૂઠ નાખી ન હોય! હું દલીલ કરું, ‘ખુરશી બેસવા માટે છે, માથે ઊંચકવા માટે નથી. બેસોને ભાઈ.’ આખરે હું કહું, ‘તમે મારા નોકર નથી, બીજા કોઈકના નોકર છો. માટે, તમે અહીં બેસી શકો છો, મહેરબાની કરી બેસો!’ આમ, ગમે તેમ કરી એને હું એક મિનિટ બેસાડતો.

હું ૧૯૪૨થી ૧૯૪૮ સુધી કરાંચીમાં હતો. એક દિવસ ટપાલી મને પત્રો આપવા આવ્યો; એને ખૂબ પરસેવો વળી ગયો હતો. મને સહીઓ કરતાં વાર લાગી અને એ ત્યાં ઊભો હતો. મેં કહ્યું, ‘બેસો, ભાઈ. ત્યાં સોફા છે.’ એ બેઠો પણ ભોંય પર. ‘તમે સોફા પર બેસો. એ સૌને માટે છે!’ એ બેઠો પણ ભોંય પર. ‘તમે સોફા પર બેસો. એ સૌને માટે છે!’ ‘ના’. એટલે મારે એને આસ્તેથી ઉઠાડી સોફા પર બેસાડવો પડ્યો! આ સામાન્ય માણસોને ઠોકી ઠોકીને કહેવામાં આવ્યું છે કે ‘તમે રેંજી પેંજી છો, રેંજી પેંજી છો.’ એ સૌ પણ પોતાને તેવા જ માને છે. તમારે સામો પક્ષ લઈને કહેવું જોઈએ કે ‘તમે કંઈક છો, તમે કંઈક છો.’ માનવગૌરવને હણે એવું વર્તન થવું જોઈએ નહીં. બે-ત્રણ પેઢી અગાઉ લોકો માટે આ ખ્યાલ તદ્દન અજાણ્યા હતા. તેઓ કહેતા કે આ બધા વિચિત્ર ખ્યાલો છે, ક્રાંતિકારી ખ્યાલો છે. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આવા ક્રાંતિકારી વિચારોની આપણને જરૂર છે.

આપણો સમાજ તદ્દન જડ થઈ ગયો છે, તદ્દન અમાનવીય. પરંતુ આજનો યુગ વ્યવહારુ વેદાંતની પ્રેરણા અને પાશ્ચાત્ય ચિંતનની અસર હેઠળ શાંતિમય, સંપૂર્ણ સામાજિક ક્રાંતિ જોશે. ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધીની આપણી સ્થગિત પ્રગતિ જગતની છઠ્ઠા ભાગની પ્રજાના પૂર્ણ વિકાસને સ્થાન આપશે. અભૂતપૂર્વ રાષ્ટ્રિય વિકાસ માટેનાં પ્રેરક વિચારણા અને આંદોલનો ભારતીય સમાજમાં ધીમે ધીમે ઊતરવા લાગ્યાં છે. પોતાનાં ‘ભારતમાં આપેલાં ભાષણો’ અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ એ બે પુસ્તકોમાં સબળ ભાષામાં સ્વામીજીએ ૧૮૯૭માં આ વિચારો રજૂ કર્યા છે. ભારતમાંના પોતાના એક શિષ્યને અમેરિકાથી સ્વામી વિવેકાનંદે લખેલા પત્રમાં આ આવે છે. એની પૂર્વેની બે સદીઓમાંની અધમ, સોગિયા માનવપરિસ્થિતિનો ઉલ્લેખ એમાં છે. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. પણ એમણે એ ૧૮૯૩ના ઓગસ્ટની ૨૦મીએ લખ્યું હતું તે યાદ રાખજો. એમણે મદ્રાસના આલાસિંગા પેરુમલને (સ્વા.વિ. ગ્રંથમાળા-ભાગ.૬.૯૩) લખ્યું હતુંઃ

‘યુગોથી ચાલ્યા આવતા, માનસિક, નૈતિક અને શારીરિક જુલમોએ પ્રભુની પ્રતિકૃતિ સમા મનુષ્યને કેવળ ભારવાહી પશુની કોટિમાં ઉતારી દીધો છે; જગદંબાના પ્રતીક સમી સ્ત્રીને સંતાન પેદા કરનાર ગુલામડી બનાવી મૂકી છે અને ખુદ જિંદગીને એક શાપરૂપ કરી મૂકી છે.’

સો વર્ષ પૂર્વેની ભારતની સામાજિક ચેતના આવી હતી. આપણે એ બદલાવી રહ્યા છીએ. એ પ્રગતિની દિશા છે. ગૌરવ અને મહત્તાને સર્વાેચ્ચ શિખરે નરનારીઓને લઈ જવા માટે અર્વાચીન પાશ્ચાત્ય ચિંતને અને વેદાંતના સર્વાેત્કૃષ્ટ ચિંતને સહકાર સાધ્યો છે. અને યુ.એસ.એ. તેમજ ઇંગ્લેંડમાં ચાર વર્ષના આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યના સખત પરિશ્રમ પછી ૧૮૯૭માં સ્વામીજી ભારત પાછા આવ્યા અને રામેશ્વરમ્ પાસે આવેલા રામનદમાંના પ્રથમ જાહેર પ્રવચનમાં ઉત્સાહી શ્રોતાગણ સમક્ષ નીચે આપેલાં વચનો (સ્વા.વિ.ગ્રંથમાળા- ભાગ.૪.૪૫-૪૬)થી તેમણે પોતાનાં પ્રવચનો આરંભ્યાંઃ

યુગયુગાન્ત સુધી વ્યાપી રહેલી નિશાનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે…. આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગ્રત થઈ રહી છે; હિમાલયમાંથી વહી આવતી વાયુ લહરીની પેઠે તે તેનાં મૃતપ્રાય અસ્થિ અને સ્નાયુઓમાં પ્રાણ પૂરી રહ્યો છે. સુસ્તી ઊડતી જાય છે અને માત્ર ચક્ષુહીન જ જોઈ નહીં શકે અગર તો જાણી જોઈને અવળી મતિવાળાઓ જ નહીં જુએ કે આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગ્રત થઈ રહી છે. હવે એનો કોઈ સામનો કરી શકે એમ નથી; હવે એ કદી પાછી ઊંઘી જવાની નથી; કારણ કે એ વિરાટકાય માતૃભૂમિ આળસ ખંખેરીને પોતાના પગ ઉપર ઊભી થઈ રહી છે.

Total Views: 624

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.