(ગતાંકથી આગળ…)

એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે તો સારું.’ શ્રી હરમોહન મિત્ર (અનેક પુસ્તકોના પ્રકાશક), માસ્ટર મહાશય (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ – શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક), શ્રી જી.સી.ઘોષ (બંગાળના વિખ્યાત કવિ અને નાટ્યકાર) આ બધા જ શ્રીરામકૃષ્ણના અંતરંગ ગૃહસ્થ શિષ્યો એક પત્રિકા-પ્રકાશન કરવામાં સક્ષમ હતા. તેવી જ રીતે, સ્વામીજીના ગુરુભાઈઓ કાલી મહારાજ (સ્વામી અભેદાનંદજી), હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદજી) તથા શરત મહારાજ (સ્વામી શારદાનંદજી) પણ આ કાર્ય માટે સક્ષમ હતા. (આ ત્રણેય વેદાન્તના પ્રચાર માટે વિદેશ ગયેલા). જ્યારે આ બધા પાસેથી સ્વામીજીને નિરાશા સાંપડી, ત્યારે સ્વામીજીએ પોતાનું ધ્યાન અંગ્રેજી પત્રિકાઓ પર કેન્દ્રિત કર્યું. પણ આશ્ચર્યની વાત, આ વખતે એક યુવકના માથા પર પત્રિકા-પ્રકાશનનું ભૂત સવાર થયું ! તે હતા સ્વામીજીના ગુરુભાઈ સારદાપ્રસન્ન મહારાજ (સ્વામી ત્રિગુણાતીતાનંદજી). ઉંમરમાં નાના હોવાને કારણે આવા કાર્ય માટે તેમની ગણના જ નહોતી; માટે જ્યારે તેમણેે પોતાના ગુરુભાઈઓને પત્રિકા પ્રકાશન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે એમાંથી કોઈકે ટીખળ કર્યું, તો કોઈકે મશ્કરી કરી, છતાંય તેઓ હિંમત ન હાર્યા અને આ વિષે સ્વામીજીને અમેરિકા પત્ર લખ્યો. આ પત્ર મળવાથી સ્વામીજી કેટલા પ્રસન્ન થયા હશે, તેનો ખ્યાલ સહેજે આવી શકે. સ્વામીજીએ તરત જ સ્વામી બ્રહ્માનંદજીને પત્ર લખ્યો (૧૮૯૫) : ‘એક બંગાળી સામયિક શરૂ કરવાનું સારદા લખે છે. તમારી પૂરી શક્તિથી તેમાં સહાય કરજો. તે વિચાર ખોટો નથી, કોઈ તેની યોજનામાં નિરુત્સાહ ન કરશો. ટીકા કરવાનું સદંતર છોડી દેજો. બધા ઝઘડાનું મૂળ એકબીજાની ટીકા કરવી એ છે. સંસ્થાઓને તોડી પાડવામાં મુખ્ય ભાગ તે ભજવે છે.’

સ્વામી ત્રિગુણાતીતાનંદજીને પણ સ્વામીજીએ એક અત્યંત પ્રેરણાદાયી પત્ર લખ્યો. આ પત્ર એ વાત પુરવાર કરે છે કે વિશ્વના ઇતિહાસમાં સ્વામીજી જેવા પ્રેરણાદાયી પત્રલેખક જ્વલ્લે જ કોઈ હશે. જાન્યુઆરી, ૧૮૯૬માં તેમણે લખ્યું : ‘સામયિક બાબતનો તમારો વિચાર ઘણો સારો છે. પૂરેપૂરાં તનમનથી તેમાં લાગી જજો… પૈસાની ચિન્તા ન કરશો… ખ્રિસ્તી તેમજ મુસ્લિમ ધર્મના પ્રચારકો ઘણાય છે; તમે તમારા દેશના ધર્મનો પ્રચાર કર્યે જજો… આપણે સારી એવી સંખ્યામાં લેખકોની જરૂર છે, તેમ ગ્રાહકો મેળવવાનું મુશ્કેલ કામ છે.

પણ તેમાંથી રસ્તો આ પ્રમાણે નીકળી શકે : તમે પરિભ્રમણ કર્યા કરો. જ્યાં જ્યાં બંગાળી ભાષા બોલાતી હોય ત્યાં તમે પહોંચી શકો અને જે મળે તેને આ સામયિકો વળગાડૉ. બળજબરીથી ગ્રાહક બનાવો, કારણ કે જ્યાં કંઈક ખર્ચવાની વાત આવશે ત્યાં તુરત જ તેઓ ઊભી પૂંછડીએ ભાગશે. પણ કશાની પરવા ન કરો, સામયિકને આગળ ધપાવો. તમારામાંથી જે કોઈ લખી શકે તે તેમાં લેખો આપે. આળસુ થઈ બેસી રહેવું નહિ પાલવે. તમે વીરકાર્ય કર્યું છે ! શાબાશ ! જે કોઈ અચકાશે અને અસ્થિર હશે તે પાછળ રહેશે. જ્યારે તમે સીધા બધાથી ઉપર કૂદી જશો. પોતાની જ મુક્તિ માટે કાર્ય કરનારને પોતાને તો મુક્તિ નહિ મળે, તેમ તે બીજાને પણ નહિ અપાવી શકે. તમે જે આંદોલન ઉપાડો તે એવું જગાવો કે તેનો પડઘો જગતના છેડા સુધી પડે…. તમારી શક્તિ હોય તેટલું કાર્ય કરો ! પછી હું ભારત આવીનેે આખા દેશને હચમચાવી મૂકીશ. ભય શા માટે?…. ગંગાધરે (સ્વામી અખંડાનંદે) ખરું વીરકાર્ય કર્યું છે ! શાબાશ ! તેના કાર્યમાં કાલી પણ જોડાયો છે! ત્રેવડી શાબાશી ! એક જણ મદ્રાસ જાઓ, એક મુંબઈ જાઓ; સાંધેસાંધામાંથી જગતને હચમચાવી નાખો !…. એકને ચીન મોકલો, બીજાને જાપાન મોકલો!… શંકરના ભૂત જેવા સંન્યાસીઓ જ ‘હર હર ! શંભો’ ની ગર્જનાથી આકાશનેય ચીરી નાખી શકે !’

આ પછી સ્વામીજી ઘણી વાર પત્રિકાના પ્રકાશન માટે સ્મરણ કરાવતા રહ્યા, પણ આ કામ પાછળ જ ઠેલાતું ગયું. તેનું મૂળ કારણ હતું – નાણાંનો અભાવ. સ્વામીજીએ તેમની અમેરિકન શિષ્યા મિસ મેક્લાઉડને આર્થિક સહાય માટે પત્ર લખ્યો (૨૯ એપ્રિલ, ૧૮૯૮) : ‘કલકત્તામાં હું એક સામયિક શરૂ કરવા ધારું છું. જો તે શરૂ કરવામાં તમે મને મદદ કરશો તો હું ઘણો આભારી થઈશ.’ આવી રીતે નાણાં એકઠાં કરીને સ્વામીજીએ બારસોે રૂપિયા આ પત્રિકા માટે મોકલાવ્યા અને સ્વામી બ્રહ્માનંદજીને ૨૦ મે, ૧૮૯૮ના પત્રમાં લખ્યું : ‘માસિક માટે પૈસા એકઠા કરવાની મહેનત કરું છું. માસિક માટે મેં તમને આપી છે, તે રૂપિયા ૧૨૦૦ ની રકમ તેના માટે જ રહે તે જોજો.’

આમ છતાં કોયડાનો ઉકેલ આવ્યો નહિ. ૧૭ જુલાઈ, ૧૮૯૮ના પત્રમાં સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને ફરી લખ્યું : ‘બંગાળીમાં માસિક્ને આર્થિક રીતે લાભદાયક બનાવવું મુશ્કેલ છે; પણ જો તમે બધા ઘેર ઘેર ફરીને ગ્રાહકો મેળવી શકો તો કદાચ તે શક્ય બને…. બિચારો સારદા એક વખત તો નાસીપાસ થયો છે. આવા નિ :સ્વાર્થ અને મહેનતુ માણસને મદદ કરવામાં આપણે કદાચ એકાદ હજાર રૂપિયા ગુમાવીએ તોય શું થઈ ગયું ?’

છેવટે શ્રી હરમોહન મિત્ર પાસેથી ઉછીના એક હજાર રૂપિયા લઈને આ બંગાળી સામયિક્નો પ્રથમ અંક જાન્યુઆરી, ૧૮૯૯ (માઘ પહેલો, બંગાબ્દ ૧૩૦૫)માં પ્રગટ કરવામાં આવ્યો. પહેલાં દસ વર્ષો સુધી આ પાક્ષિક પત્રિકા હતી. ત્યાર પછી આજ સુધી માસિક પત્રિકા પ્રગટ થતી રહી છે. સ્વામીજીએ પોતે તેનું નામ આપ્યું-‘ઉદ્‌બોધન’. તેની પ્રસ્તાવના પણ સ્વામીજીએ પોતે લખી હતી. અવારનવાર તેમના લેખો પણ આ પત્રિકામાં પ્રકાશિત થતા. સ્વામીજી આ પત્રિકાને માટે કેટલો સ્નેહ રાખતા તેનો ખ્યાલ તેમણે પોતાના શિષ્ય શ્રી શરદચંદ્ર ચક્રવર્તી સાથે કરેલ વાર્તાલાપોમાંથી આવે છે. સામયિકોમાં તેઓ કેવા ભાવો, ભાષા વગેરેનો ઉપયોગ કરવા માગતા હતા, આવાં સામયિકોનો શો ઉદ્દેશ્ય હોવો જોઈએ વગેરે ઘણી મહત્ત્વની બાબતો-આ વાર્તાલાપોમાં આવરી લેવાઈ છે. તેનો અંશ ઉદ્ધૃત કરવો અપ્રાસંંગિક નહિ કહેવાય.

સ્વામીજીએ પત્રના નામને જરા વ્યંગ રૂપ આપીને કહ્યું : તમે ‘ઉદ્‌બોધન’ (ગળેફાંસો) જોયું ?

શિષ્ય : હા જી, અંક સારો છે.

સ્વામીજી : આપણે આ સામયિકમાં વિચારો, ભાષા અને બધુંય નવી ઢબે રજૂ કરવુંં જોઈએ.

શિષ્ય : એટલે ?

સ્વામીજી : આપણે શ્રીરામકૃષ્ણના વિચારો બધાંને આપવા જોઈએ. એટલું જ નહિ પરંતુ, બંગાળી ભાષામાં નવું જોમ પણ લાવવું જોઈએ. દાખલા તરીકે, ક્રિયાપદોનો વધારે પડતો ઉપયોગ ભાષાના જોશને ઓછું કરે છે; વિશેષણો વાપરીને ક્રિયાપદોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આ પ્રમાણે લેખો લખવા શરૂ કરો. અને ‘ઉદ્‌બોધન’માં છાપવા આપો તે પહેલાં મને બતાવજો.

શિષ્ય : પણ સ્વામીજી ! આ સ્વામીજીની માફક ભગવાં કપડાં પહેરેલ એક સંન્યાસી બારણે બારણે ભટકે તે અમારી દૃષ્ટિએ જરા વિચિત્ર લાગે છે.

સ્વામીજી : શા માટે? સામયિકનો ફેલાવો તો માત્ર ગૃહસ્થોના હિત માટે છે. દેશમાં નવા વિચારો ફેલાવવાથી આમજનતાને લાભ થશે. તમે શું એમ માનો છો કે ભક્તની સાધના કરતાં આ નિ :સ્વાર્થ કાર્ય કોઈ પણ રીતે ઊતરતું છે? અમારું ધ્યેય છે માનવજાતનું કલ્યાણ. અમારો ઇરાદો આ સામયિકમાંથી પૈસા કમાવાનો નથી. અમે સર્વસ્વનો ત્યાગ કર્યો છે અને અમારા મૃત્યુ પછી અમારે પત્ની કે બાળકો માટે કંઈ પ્રબંધ કરવાનો રહેતો નથી. જો આ સામયિકને સફળતા મળશે તો તેની બધી આવક માનવજાતની સેવા માટે ખરચાશે. તેની વધારાની રકમ જુદી જુદી જગ્યાએ મઠો અને સેવાશ્રમો ખોલવામાં અને દરેક લોકોપયોગી કામ માટે યોગ્ય રીતે વાપરવામાં આવશે. એટલું તો ચોક્કસ કે અમે ગૃહસ્થોની માફક પોતાનાં ખિસ્સાં ભરવા માટે કામ કરતા નથી. ચોક્કસ જાણજો કે અમારી બધી પ્રવૃતિ બીજાના કલ્યાણ માટે હોય છે.

શિષ્ય : તેમ છતાં બધા લોકો આ દૃષ્ટિબિંદુ સમજી શકશે નહિ.

સ્વામીજી : તેથી શું? એથી અમને કંઈ નફો કે નુકસાન નથી. અમે લોકોની ટીકા તરફ દૃષ્ટિ રાખીને કોઈ પણ કામ હાથ ધરતા નથી.

શિષ્ય : આ સામયિક તો પાક્ષિક છે; અમે ઇચ્છીએ છીએ કે તે સાપ્તાહિક થાય.

સ્વામીજી : એ ઠીક છે; પણ પૈસા ક્યાં ? જો શ્રીરામકૃષ્ણની કૃપાથી પૈસા આવશે તો ભવિષ્યમાં તે દૈનિક પણ બની શકે; રોજ એક લાખ નકલો છાપી શકાય અને કલકત્તાની શેરીએ શેરીએ મફત વહેંચી શકાય !

જે દિવસે આ વાર્તાલાપ થયો તે જ દિવસે સાંજે સ્વામીજીએ ફરીથી ‘ઉદ્‌બોધન’ વિશે શિષ્યને સંબોધીને કહ્યું હતું : ‘આપણે ‘ઉદ્‌બોધન’ દ્વારા લોકોને રચનાત્મક વિચારો જ આપવા જોઈએ. નિષેધક વિચારો માણસને નિર્બળ બનાવે છે…. તમારો ઇતિહાસ, સાહિત્ય, પુરાણ અને બીજાં બધાં શાસ્ત્રો લોકોને માત્ર ડરાવી દે છે. તેઓ એમને એમ જ કહે છે : ‘તમે નરકમાં જશો, તમારો વિનાશ થઈ ચૂક્યો છે.’ તેથી જ ભારતના પ્રાણ સુધ્ધાંમાં આવી જડતા પેસી ગયેલ છે. તેથી જ આપણે સરળ શબ્દોમાં લોકોને વેદવેદાંતના ઊંચામાં ઊંચા વિચારો સમજાવવા જોઈએ. નૈતિક સિદ્ધાંતો, સદ્વર્તન તથા વિદ્યાના પ્રસાર દ્વારા આપણે ચાંડાળોને પણ બ્રાહ્મણની ક્ક્ષાએ લાવવા જોઈએ. ચાલો, આ બધું ‘ઉદ્‌બોધન’માં લખો અને યુવાન તેમજ વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ સૌને જાગૃત કરો. ત્યારે જ હું જાણીશ કે તમારો વેદવેદાંતનો અભ્યાસ સફળ થયો છે.’

‘ઉદ્‌બોધન’ની પ્રસ્તાવનામાં પણ સ્વામીજીએ રચનાત્મક તથા પ્રેરણાપ્રદ વિચારોના પ્રસારનું મહત્ત્વ દર્શાવેલું. ભારતવર્ષમાં સ્વામીજી ઇચ્છતા હતા, રજોગુણ તથા સત્ત્વગુણનું મિશ્રણ, પ્રાચ્ય તથા પાશ્ચાત્ય સંસ્કૃતિનું મિલન, નિર્ભયપણે સત્ય તથા અસત્ય (મિથ્યા)નો વિવેક. આ લેખના અંતે તેમણે ઉપર્યુક્ત મુદ્દાઓ પર ચર્ચા કરવાનું આમંત્રણ આપતાં લખ્યું હતું, ‘લોકોના હિતને માટે, લોકોના સુખને માટે; નિ :સ્વાર્થ ભાવે, પ્રેમ અને આદરભર્યા અંત :કરણથી પોતાની માતૃભૂમિને ચાહનારા તમામ શાણા અને વિશાળ હૃદયવાળા સજ્જનોને આ મુદ્દાઓ ચર્ચવા અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ‘ઉદ્‌બોધન’ આમંત્રણ આપે છે, અને વેરવૃતિ કે ધિક્કારની ભાવનાથી રહિત હોઈને તથા કોઈ પણ વ્યક્તિ, સમાજ કે સંપ્રદાય પ્રત્યે અસભ્ય ભાષણપ્રયોગ કરવાથી દૂર રહેતું હોઈને સર્વ વર્ગાેની સેવામાં તે પોતાની સમગ્ર જાતને અર્પણ કરે છે.’ જાન્યુઆરી, ૧૮૯૮ માં આ પત્રિકા શરૂ થયા પછી પણ સ્વામીજીનો આ પત્રિકા માટે ઘોર પરિશ્રમ ચાલુ જ રહ્યો. તેના માટે પત્રો દ્વારા તેઓ પોતાના ગુરૂભાઈઓને આવશ્યક સૂચનો આપતા રહ્યા અને જરૂર પડ્યે ઠપકો પણ પૂરતા પ્રમાણમાં !
(ક્રમશ 🙂

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.