વૈશ્વિકીકરણ થઈ ગયું છે, તેનાં ઘણાં પરિમાણો છે. તે એક એવો વિશાળ વિષય છે કે જેણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન દોર્યું છે. અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, રાજકારણી, આધ્યાત્મિક લોકો તથા અન્ય વૈશ્વિકીકરણ અને તેની અસરો વિશે વાતો કરે છે. આમ વૈશ્વિકીકરણ એક એવી હકીકત છે કે જેનાથી કોઈ બાકાત ન રહી શકે.

ભૌગોલિક દૃષ્ટિએ વિશ્વ પહેલાં ક્યારેય ન હતું તેવું એક બન્યું છે તેણે વિશ્વવ્યાપક ગામનું રૂપ લીધું છે. પ્રૌદ્યોગિક ઉન્નતિથી મુસાફરી વધુ સહેલી, ઝડપી બની છે. ૧૮૯૩માં જ્યારે સ્વામી વિવેકાનંદ ધર્મસભામાં પ્રવચન આપવા શિકાગો ગયા ત્યારે મુંબઈથી અમેરિકા જવામાં તેમને બે મહિનાનો સમય લાગ્યો હતો. હવે માત્ર થોડા કલાકોમાં ત્યાં પહોંચી શકાય છે. વળી હવે તો આપણે મંગળ ગ્રહ પર જવાનો વિચાર કરી રહ્યા છીએ.

સંચાર માધ્યમે પણ અસાધારણ પ્રગતિ સાધી છે. થોડી જ સેકન્ડમાં પૃથ્વી પરની કોઈ પણ વ્યક્તિ સાથે તમે જોડાઈ શકો છો અને વાતચીતની આપ-લે કરી શકો છો. તેનાથી ઊલટું, તમારાં પતિ કે પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા સાથે છ મહિનામાં ભાગ્યે જ એકાદ વાર વાતચીત કરો છો. આમ, ભૌગોલિક રીતે આપણે નજીક આવ્યા છીએ પરંતુ માનસિક રીતે દૂર થતા ગયા છીએ. આ માનસિક વિચ્છેદ ઝઘડા, મતભેદ અને કુટુંબ તેમજ કુટુંબની બહાર નોકરી કે ધંધાના સ્થળે અને બીજી બધી જગ્યાએ વિખવાદો ઊભા કરે છે. જ્યાં સુધી માનસિક ઐક્ય નહીં હોય, ત્યાં સુધી વૈશ્વિકીકરણ આપણા જીવનમાં શાંતિ, સુખ અને પરિપૂર્ણતા નહીં લાવી શકે.

જ્યાં સુધી આધ્યાત્મિક સંસ્કૃતિ આધારિત વૈશ્વિક સમાજ નહીં બને ત્યાં સુધી જેની ખેવના રાખીએ છીએ તે વૈશ્વિક શાંતિ મળવાની નથી. સ્વામી વિવેકાનંદે એટલે જ સ્થળ-કાળનું મહત્ત્વ ન હોય અને બધા માટે આવકાર્ય હોય એવા એક વૈશ્વિક ધર્મનું સ્વપ્ન સેવ્યું હતું. આપણે સ્વામીજીના આ વૈશ્વિક ધર્મના વિચારને સ્વીકારીએ તોપણ જો આપણે જીવિત રહેવું હશે તો તેમના સર્વધર્મની સમાનતાના વિચારને સ્વીકારવો જ પડશે.

આતંકવાદ બેસુમાર ફેલાયેલો છે. આતંકવાદ એટલે શું? આતંકવાદ એટલે બીજું કંઈ નહીં પણ ઘમંડનું વિકૃત સ્વરૂપ, ધર્માંધતા, કટ્ટર સાંપ્રદાયિક વલણ અને મૂળતત્ત્વવાદ. આ સિવાય પણ કેટલાંક બીજાં કારણોને લીધે પણ આતંકવાદ પોષાયો છે. તે છે નાણાકીય અને રાજકીય, અને બીજાં ઘણાં બધાં. પરંતુ સૌથી અગત્યનું છે – ધર્માંધતા. આ જ વિશ્વશાંતિને ડહોળે છે.

૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામીજીએ ધર્મસભાને સંબોધતાં કહ્યું , ‘…હું ખરા અંત :કરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ રણકી ઊઠ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમઅને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.’

પરંતુ આપણે એ સલાહ પર ધ્યાન ન આપ્યું અને સ્વામીજીની આ ચેતવણીનાં બરાબર ૧૦૮ વર્ષ પછી એ જ દિવસે – ૧૧ સપ્ટેમ્બરના રોજ આતંકવાદી હુમલાઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર હુમલો કર્યો અને તેને ધ્વસ્ત કર્યા.

‘The Clash of Civilizations and the Remaking of World Order’ એ શિર્ષકવાળા પુસ્તકમાં સેમ્યૂલ પી. હન્ટિંગ્ટને લખ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલાં યુદ્ધો કોઈ બે દેશો વચ્ચે નથી પરંતુ તે સભ્યતાની અથડામણનું પરિણામ છે. વધુ સ્પષ્ટ કહીએ તો, એ યુદ્ધો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો વચ્ચે થયાં છે. આંકડાકીય પુરાવા સાથે એ સાબિત થયું છે.

વૈશ્વિક સભ્યતા, વૈશ્વિક ધર્મ અને વૈશ્વિક શાંતિની વાત કરીએ છીએ. તો પછી, આ માટે સર્વસામાન્ય દૃષ્ટિકોણ, સંદેશ અને જીવનપદ્ધતિવાળો એવો વૈશ્વિક નેતા પણ હોવો જોઈએ કે જે જ્ઞાતિ, રંગ, પંથ, સંપ્રદાય, રાષ્ટ્રીયતા અને ધર્મની અપેક્ષા વિના માનવજાતને સ્વીકાર્ય હોય. જો તમે આધુનિક ઇતિહાસનાં પૃષ્ઠો ફેરવશો તો એવી નિર્ણાયક ભૂમિકા ભજવનાર એક માત્ર વ્યક્તિ મળશે-સ્વામી વિવેકાનંદ. શા માટે ? એટલા માટે કે તેમનો સંદેશ સાર્વત્રિક છે, તેમનો ધર્મ નિરપવાદ છે અને તેમણે દરેક દેશના અને દરેક ધર્મના લોકોને પ્રેરણા આપી છે. અને એટલા માટે પણ કે તેમની ફિલસૂફી આધુનિક વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સાથે સુસંગત છે.

૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૨માં ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ અને હું રાજકોટથી પોરબંદર જઈ રહ્યા હતા. તેમણે મને સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પ્રસંગો કહેવાનું કહ્યું. ૩૭ શાળાનાં ભવનમાંનું એક ભવન કે જે ધરતીકંપ પુન :સ્થાપન પ્રકલ્પ હેઠળ બનાવેલ હતું, તે ભવનનું ડૉ. કલામ ઉદ્‌ઘાટન કરવાના હતા. મેં તેમને ફકીરે અલ્મોડામાં કાકડી આપીને કેવી રીતે સ્વામીજીનો જીવ બચાવ્યો હતો એ પ્રસંગ કહ્યો હતો. એ ફકીર નજીકના મેદાનમાં કબર ખોદવાનું કામ કરતો હતો.

વળતી મુસાફરીમાં ડૉ. કલામે મને બીજા કેટલાક પ્રસંગો કહેવાનું કહ્યું અને મેં તેમને પૂછ્યું કે તેઓ સ્વામીજી વિશે જાણવા આટલા ઉત્સુક કેમ છે? તેમણે મને ખૂબ સુંદર જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે સ્વામીજી ધર્મને વ્યાવહારિક આધ્યાત્મિકતામાં પરિવર્તિત કરનાર વિરલ મહાત્મા હતા.’

વેદાંતની ફિલસૂફી ધાર્મિક છે. તે આધુનિક ‘ક્વાૅન્ટમ ગતિશાસ્ત્ર’ સાથે સામ્ય ધરાવે છે. તે દર્શાવે છે કે સમગ્ર બ્રહ્માંડનો દરેક કણ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલ છે અને તે સિદ્ધાંત નાૅબલ પારિતોષિક વિજેતા ડૅવિડ બોહ્મ દ્વારા પ્રયોગથી પુરવાર થયેલ છે. એક બીજા નાૅબલ પારિતોષિક વિજેતા શ્રોડિંજર કહે છે કે ચેતના એ એકવચન છે, જેનું બહુવચન નથી. ક્વાૅન્ટમ ગતિશાસ્ત્રની આ નવીન શોધ વેદાંત સાથે પ્રમાણ ધરાવે છે. તે કહે છે – सर्वं खलु इदं ब्रह्म – આ બધું બ્રહ્મનું અલગ અલગ સ્વરૂપ છે. ઉપનિષદ કહે છે કે સમગ્ર વિશ્વમાં એકમાત્ર શાશ્વત ચેતના વ્યાપ્ત છે. સ્વામીજીએ વેદાંત ફિલસૂફીનો પ્રસાર કર્યો, જેના પાયાના બે સિદ્ધાંતો છે – આત્માની દિવ્યતા અને સમગ્ર બ્રહ્માંડની એકતા.

ઘણા સમય પહેલાં સ્વામીજીએ ભવિષ્ય ભાખ્યું હતું કે આંતર-રાષ્ટ્રીયતા આવી રહી છે અને આપણે હવે વૈશ્વિકીકરણની વાતો કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ-કાયદાઓ-સંધિ એ આજના યુગની ઘોષણા છે. સ્વાભાવિક રીતે એ બીજું કંઈ નથી પણ એકતાની અભિવ્યક્તિ છે.

વૈશ્વિક હૃદય :

સ્વામી વિવેકાનંદનું હૃદય વિશ્વવ્યાપક, સાર્વત્રિક હૃદય હતું. તેઓને આ પૃથ્વી પર વસતા તમામ જીવો પ્રત્યે લાગણી હતી. તેઓ કોઈ પણ જગ્યાએ રહેતા, કોઈ પણ વ્યક્તિની દુ :ખદાયક પરિસ્થિતિ અને ભારે સંકટને અનુભવી શકતા. ૯મી જુલાઈ, ૧૮૯૭માં અલ્મોડાથી મિસ. મેરી હૅલને લખેલ એક પત્રમાં આપણને સ્વામીજીની ફિલસૂફીની અને લાગણી-અનુભવની આ વાત જાણવા મળે છે. સ્વામીજી લખે છે :

‘મારે મારા વિશે આટલી બધી પીંજણ કરવી પડી તેનું કારણ કે મારે તમને એ કહેવાનું બાકી હતું. મને લાગે છે કે મારું કાર્ય પૂરું થયું છે – મારી જિંદગીનાં બહુ બહુ તો ત્રણ કે ચાર વર્ષ બાકી રહ્યાં છે. મેં મારી મુક્તિની ઇચ્છાનો સર્વ રીતે ત્યાગ કર્યો છે. સંસારના ભોગોની સ્પૃહા મને કદી પણ થઈ નથી. મારે તો મારી યોજનાઓ રૂપી સંચો બરાબર મજબૂત રીતે કામ કરતો થઈ જાય એ જોવું છે અને પછી માનવજાતિના કલ્યાણ માટે, ઓછામાં ઓછું ભારતમાં, જેને કોઈપણ શક્તિ પાછું હઠાવી ન શકે એવું એક યંત્ર મેં ગોઠવ્યું છે એવી ખાતરી કરીને, પાછળથી શું થશે એની પરવા રાખ્યા વિના હું ચિરનિદ્રામાં પોઢી જવા માગું છું. મારી એક જ ઇચ્છા છે કે જે એકમાત્ર ઈશ્વરનું અસ્તિત્વ છે, જે એક ઈશ્વરમાં હું માનું છું, જે સર્વ આત્માઓના એકંદર સમૂહરૂપ છે અને સૌથી વિશેષ તો જે મારો ઈશ્વર દુષ્ટ નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર દુ :ખી નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર સર્વ પ્રજાઓના અને સર્વ જાતિઓના દરિદ્ર-નારાયણ રૂપે છે, જે મારી પૂજાનું ખાસ પાત્ર છે, તેનું પૂજન કરવા સારુ હું વારંવાર જન્મ ધારણ કરું અને હજારો કષ્ટ વેઠું.’

શિકાગોમાં યુનેસ્કોના સર્વધર્મ પરિષદના શતાબ્દી મહોત્સવ પ્રસંગે યુનેસ્કોના મહાનિદેશક ડૉ. ફેડરિકો મેયરે આૅક્ટોબર, ૧૯૯૩માં કહ્યું, ‘સ્વામીજીએ ઘણાં વર્ષો પહેલાં ૧૮૯૭માં ઘડેલ રામકૃષ્ણ મિશનના બંધારણ અને ૧૯૪૫માં બનેલ યુનેસ્કોના બંધારણ વચ્ચેની સામ્યતા જોઈને હું અચંબિત થઈ ગયો છું.’

સ્વામીજીના હૃદયની વિશાળતા વ્યક્ત કરવા માટે તેમના જીવનના એક પ્રસંગનો અત્રે ઉલ્લેખ કરીશ. સ્વામીજી ત્યારે બેલુર મઠમાં નિવાસ કરતા હતા. બાજુના એક નાના ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનંદજી કે જેમને સ્વામીજી ‘પેશન’ના હુલામણા નામે બોલાવતા, તેઓ રહેતા હતા. એક રાત્રે સ્વામી વિજ્ઞાનાનંદજીએ જોયું કે સ્વામીજી અસ્વસ્થ થઈ પોતાના ઓરડાની બહાર વરંડામાં આમથી તેમ ઝડપથી ચાલી રહ્યા છે. સ્વામી વિજ્ઞાનાનંદજીએ તેમને પૂછ્યું કે તેઓ કેમ સૂતા નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘પેશન, હું ખૂબ જ શાંતિથી મારા ઓરડામાં સૂતો હતો. અચાનક મેં એક આંચકો અનુભવ્યો અને હું જાગી ગયો. મને લાગે છે કે વિશ્વમાં કોઈક જગ્યાએ ભારે સંકટ આવ્યું છે. મારા હૃદયમાં હું ખૂબ દુ :ખ અને વ્યથાની લાગણી અનુભવી રહ્યો છું ત્યારથી હું સૂઈ શકતો નથી, અસ્વસ્થતા અનુભવી રહ્યો છું.’

સ્વામી વિજ્ઞાનાનંદજીએ એ વાત ગંભીરતાથી ન લીધી અને સ્વામીજીને સૂઈ જવા વિનંતી કરી. બીજા દિવસે સ્વામી વિજ્ઞાનાનંદજીએ જ્યારે સમાચારપત્રમાં વાંચ્યું કે ફિજી ટાપુ પર તીવ્ર ધરતીકંપ થયો છે અને હજારો લોકોનાં મોત થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે નોંધ્યું કે જ્યારે ફિજીમાં ધરતીકંપ થયો, બરાબર તે જ સમયે સ્વામી વિવેકાનંદે દુ :ખનો તીવ્ર આંચકો અનુભવ્યો હતો.

સાર્વત્રિક મુક્તિ :

સ્વામી વિવેકાનંદે સાર્વત્રિક મુક્તિ વિશે કહ્યું હતું, ‘એવું બનશે ખરું કે આ દેહમાંથી નીકળી જવાનું, એને એક જીર્ણ વસ્ત્રની જેમ ફેંકી દેવાનું મને બહેતર લાગે. પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યા જ કરશે ! જગત આખું પ્રભુ સાથે એકતાનો અનુભવ કરે, ત્યાં સુધી હું સર્વત્ર મનુષ્ય માત્રને પ્રેરણા આપતો રહીશ.’

સ્વામીજી અમેરિકા જતાં પહેલાં આકસ્મિક રીતે સ્વામી તુરીયાનંદજીને માઉન્ટ આબુમાં મળ્યા અને કહ્યું, ‘હરિભાઈ(સ્વામી તુરીયાનંદજીનું પૂર્વાશ્રમનું નામ), હું તમારા ધર્મ વિશે કંઈ જાણતો નથી. પરંતુ હું તમને એ ચોક્કસ કહી શકું કે મારું હૃદય હવે વિશાળ બની ગયું છે અને હું લોકોની તીવ્ર પીડા અનુભવી શકું છું.’

સ્વામી વિવેકાનંદ વૈશ્વિક પ્રેરણાસ્રોત છે. તેમણે ડૉ. કલામને પ્રેરણા આપી. તેમણે ભારતની પ્રથમ મહિલા ટેક્સી ડ્રાઈવર શ્રીમતી જસવંતકૌર આહુજાને પણ પ્રેરણા આપી. મીડિયા સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતુ કે મારો પ્રેરણાસ્રોત સ્વામીજી છે. ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ સ્વામીજીનું આ ઉદ્ધરણ તેમણે પોતાના ઘરની દીવાલ પર ટાંક્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે જે વ્યવસાય મહિલાઓ માટે નથી તેમાં તેઓએ કેવી રીતે પ્રવેશ કર્યો ? તેના જવાબમાં તેમણે કહ્યું કે જ્યારે તેમના પતિને હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના પર દુ :ખનો પહાડ તૂટી પડ્યો. તેથી તેઓ ડ્રાઈવિંગ શીખ્યાં, લાયસન્સ લઈ ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમને લાગતું કે પોતે નિરાશાના સમુદ્રમાં ફેંકાઈ ગયાં છે, પીઠ પાછળ તેમની નિંદા થઈ રહી છે, લોકો તેમની ટીકા કરી રહ્યા છે અને પોતે સામાજિક લાંછનનો શિકાર થઈ રહ્યાં છે ત્યારે એક નવીન હિંમત અને પ્રેરણા તેમને આ શબ્દોમાંથી મળતી – ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’

૧૯૯૯ના IASનાં પ્રથમ ક્રમાંકિત, ભાવના ગર્ગને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે પ્રથમ પ્રયાસમાં જ તેઓ કેવી રીતે આવી શક્યાં. તેમણે કહ્યું કે જ્યારે તેઓ સ્વામીજીનું પુસ્તક વાંચતાં ત્યારે દરેક વખતે તેમનામાં ચેતનાનો સંચાર થતો હતો.

એલિનર સ્ટાર્કે એક પુસ્તક લખ્યું છે – ‘The Gift Unopend : A New American Revolution’, જેમાં તેમણે કહ્યું છે, ‘આપણને એક ખૂબ સરસ ભેટ મળી છે – સ્વામી વિવેકાનંદનો વેદાંતનો ઉપદેશ. પરંતુ હજી આ ભેદ અકબંધ છે અને તેથી આપણે અમેરિકામાં દુ :ખી છીએ.’

સ્વામી વિવેકાનંદે પોતે જ કહ્યું છે, ‘હું શું માત્ર ભારતનો જ છું? હું સમગ્ર વિશ્વનો છું.’ વળી તેમણે એમ પણ કહ્યું, ‘જેમ બુદ્ધ પાસે પૂર્વના દેશો માટે સંદેશ છે તેમ મારી પાસે પશ્ચિમના દેશો માટેનો સંદેશ છે.’

આમ આપણે સમજી શકીએ કે જ્ઞાતિ, પંથ, ધર્મ, લિંગ, વંશ, રંગ અને તેની સામાજિક પ્રતિષ્ઠાના ભેદભાવ વગરે સ્વામીજી સમગ્ર વિશ્વ માટે સ્વીકાર્ય છે. જ્યારે તેઓ અમેરિકામાં હતા ત્યારે એક ટેક્સી ડ્રાઈવરે તેમને ‘રાજા’ તરીકે સંબોધિત કર્યા. સ્વામીજીએ કહ્યું કે તેઓ માત્ર એક સંન્યાસી છે. પરંતુ એ ટેક્સી ડ્રાઈવરે ન માન્યું. તેણે કહ્યું કે તેણે ઘણા રાજાઓ અને સામાન્ય માણસોને સવારી કરાવી છે એટલે એ સારી રીતે જાણી શકે છે કે કોણ રાજા છે અને કોણ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે એ ટેક્સી ડ્રાઈવર સાચો હતો કારણ કે સ્વામીજી એક રાજાશાહી પરિવારમાંથી આવ્યા હતા. કેટલાય વૈભવશાળી રાજ્યોના શાસનકર્તાઓની સાથે તેમના સંબંધો મિત્રતાભર્યા હતા. છતાં આલાસિંગા પેરુમલને એક પત્રમાં તેમણે લખ્યું હતું, ‘હું કોઈ તાત્ત્વિક મીમાંસક કે ફિલસૂફ નથી; ના, સાધુ પણ નથી. પણ હું દરિદ્ર છું અને દુ :ખી લોકોને પ્રેમ કરું છું.’ ઘણા વખત પહેલાં તેમણે લખ્યું હતું કે વૈશ્વિકતાએ એકમાત્ર લાગણી માટે સર્વસ્વનું બલિદાન આપી દેવું જોઈએ. એટલે અત્યારે સૌથી વધુ જરૂરિયાત છે સ્વામીજીના આ ઉપદેશની. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં થયેલ અપૂર્વ પ્રગતિને ધ્યાનમાં રાખીને આપણે વૈશ્વિકીકરણથી પલાયન ન થવું જોઈએ. એટલે સમગ્ર વિશ્વ એક વૈશ્વિક ગામ બનવા જઈ રહ્યું છે. જો કે યુનોની સ્થાપના થયા પહેલાં સ્વામીજીએ કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીયવાદ લાવવો હશે તો આપણે રાજકીય બંધનોને તોડવાં પડશે. સાચા અર્થમાં હકારાત્મક વૈશ્વિક સભ્યતા લાવવા માટે ખાસ જરૂર છે- સાંસ્કૃતિક એકતા, આધ્યાત્મિક એકતા અને માનસિક એકતાની. જો આમ નહીં થાય તો આપણે વૈશ્વિક સભ્યતાથી વિપરીત પશ્ચિમી ભૌતિકવાદના વિચાર અને ઉપભોક્તાવાદના અવિવેકી પ્રચંડ હુમલાથી આપણા યુવાનોને બચાવી નહીં શકીએ.

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ આજે પણ એેટલો જ પ્રાસંગિક છે કારણ કે એ ઉપદેશ વેદાંત પર આધારિત છે. તેમણે અસ્તિત્વની એકતા વિશે કહ્યું છે કે આપણે સૌ આધ્યાત્મિક રૂપે એક છીએ. હવે આપણે સાંસ્કૃતિક અને સામાજિક રૂપે પણ એક થઈએ. જો એ પણ હમણાં શક્ય ન હોય તો આપણે માનવ હોવાને કારણે પણ કોઈ પણ રીતે એક થઈએ.

સ્વામીજી કહે છે કે જો આપણે એક વૈશ્વિકધર્મ ન લાવી શકીએ તો આપણે બધા ધર્મોની વચ્ચે સંવાદિતા લાવવી જોઈએ. આ એક માત્ર વ્યવહારુ અને વિવેકી ઉદ્દેશ છે. આ ઉદ્દેશ શક્તિશાળી અને વિરોધ ન થઈ શકે તેવો છે. રોમાં રોલાં સ્વામીજી વિશે કહે છે :

તેમના શબ્દો મહાન સંગીત છે, વાક્યાંશોમાં બીથોવનની શૈલી છે, લય જાણે હેન્ડેલના સમૂહગીતની જેમ ઉત્તેજિત કરનાર છે. ત્રીસ વર્ષના સમયમાં પુસ્તકનાં પૃષ્ઠોમાં ફેલાયેલી તેમની વાતોને હું જ્યારે સ્પર્શ કરું છું ત્યારે એક વિદ્યુત ઝાટકા જેવો રોમાંચ અનુભવું છું.

આ વિદ્યુત ઝાટકો લોકોને જીવનના દરેક પગલે પ્રેરણા આપે છે.

હું વધુમાં કહીશ કે જો આપણને વૈશ્વિકીકરણનાં ફળ જોઈતાં હોય તો સ્વામીજીએ ઉપદેશેલ વૈશ્વિક સભ્યતા અંગે વિચારવું પડશે અને તેને માટે વૈશ્વિક શાંતિ, વૈશ્વિક સંસ્કૃતિ અને ધર્મો વચ્ચે સંવાદિતા જરૂરી છે.

Total Views: 517

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.